અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટુંં અને ભારતનું સાતમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦ થી ૧૯૭૨ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે.
અંગ્રેજી શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુંં શહેર બની ગયું હતું. તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અહમ ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ' તરીકે ઓળખવામાં આવતું હતું.
પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો.એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે. સોલંકીનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળના હાથમાં આવ્યું. સન ૧૪૧૧માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી. ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી 'અહમદાબાદ' રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને 'અમદાવાદ'તરીકે ઓળખાવા લાગ્યું.
અહમદશાહે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો ૪ માર્ચ ૧૪૧૧ના રોજ નક્કી કરી હતી.
દંતકથા અનુસાર અહમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે: જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા.
ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર મહમદ બેગડાએ અમદાવાદની ચોતરફ ૧૦ કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો, જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે.ઈ.સ. ૧૫૫૩માં જ્યારે ગુજરાતના રાજા બહાદુર શાહ ભાગીને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુએ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો.ત્યાર બાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકોનો ફરીથી કબજો થઈ ગયો હતો અને પછી મુગલ રાજા અકબરે અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું. મુગલકાળ દરમ્યાન અમદાવાદ, રાજ્યનું ધમધમતું ઔદ્યોગિક કેન્દ્ર બન્યું જ્યાંથી કાપડ યુરોપ મોકલાતું. મુગલ રાજા શાહજહાંએ પોતાનો ઘણો સમય અમદાવાદમાં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગમાં આવેલો મોતી શાહી મહાલ બનાવડાવ્યો. અમદાવાદ ૧૭૫૮ સુધી મુગલોનું મુખ્યાલય રહ્યું, ત્યાર બાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું. મરાઠાકાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂનાના પેશ્વા અને બરોડાના ગાયકવાડના મતભેદનો શિકાર બન્યું.
અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલોને કારણે અમદાવાદ 'પૂર્વનું માંચેસ્ટર' પણ કહેવાતું હતું. મે ૧૯૬૦થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ રહી છે. સામાન્ય રીતે આજકાલ ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર કહેવામા આવે છે.
ઐતિહાસિક અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે. અમદાવાદ મુખ્યત્વે ૩ ભાગમાં વહેંચાયેલું છે. જૂનું શહેર મુંબઈ દિલ્હી રેલવે લાઇન અને સાબરમતી નદીની વચ્ચે વસેલ છે. રેલવે લાઇનની પૂર્વે ઔધોગિક વિકાસ થથો છે જયારે નવું શહેર જે નદીની પશ્ચિમ દિશામાં વિકસેલ છે. જુનું શહેર ગીચ છે જ્યારે નવું શહેર ઘણું વ્યવસ્થિત અને પહોળા રસ્તા વાળુ છે. વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનું ઔધોગિક કેન્દ્ર છે, જેમાં કાપડ, રંગ, રસાયણ અને આભુષણોને લગતા ઉધોગો મુખ્ય છે. અમદાવાદ શહેર ઇતિહાસમા એક અન્ય કારણે પણ પ્રસિદ્ધ છે, અને એ છે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના કિનારે સ્થાપેલો ગાંધી આશ્રમ.
સાબરમતી નદીના કિનારે રીવર ફ્રન્ટ યોજના વિકસાવવામાં આવી છે જેનાથી શહેરની રોનક બદલાઇ છે. હાલમાં ૧૦.૪ કિમી ચાલવા માટેનો રસ્તો જાહેર ઉપયોગ માટે ખુલ્લો મુકવામા આવ્યો છે. આ ઉપંરાત મનોરંજન માટે સ્પીડ બોટ અને મોટર બોટ સવારી પણ નહેરુ બ્રિજ અને ગાંધી પુલ વચ્ચે કામ કરી રહી છે. ૨૦૦૯માં અમદાવાદ શહેરમાં બી.આર.ટી.એસ. સુવિધા શરૂ થઇ છે જેને લીધે શહેરમાં માર્ગપરિવહનનું એક તદ્દન નવું માળખું અસ્તિત્વમાં આવ્યું છે અને અમદાવાદના પશ્ચિમના વિસ્તારોને સળંગ બસ સેવા દ્વારા પૂર્વના વિસ્તારો સાથે સાંકળી લેવામાં આવ્યું છે, જેના કારણે અમદાવાદની બંને દિશાના નાગરિકોનું અંતર ઘટી ગયું છે.
શહેર ભારતના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના ઉત્તરીય ભાગમાં સાબરમતી નદીના કિનારે સ્થિત થયેલ છે. તે ૪૬૪ ચો.કિમી.ના વિસ્તારમાં ફેલાયેલું છે અને 23°02′N 72°35′E / 23.03°N 72.58°E પર સ્થિત છે. શહેરની સરેરાશ ઊંચાઈ ૫૩ મીટર છે.
શહેરની હદમાં બે મુખ્ય તળાવો છે - કાંકરિયા તળાવ અને વસ્ત્રાપુર તળાવ. મણિનગરમાં આવેલું કાંકરિયા તળાવ એ એક કૃત્રિમ તળાવ છે, જે ૧૪૫૧ માં કુતુબ-ઉદ-દિન ઐબક દ્વારા વિકસાવવામાં આવેલું છે. તેમાં માછલીઘર અને પ્રાણી સંગ્રહાલય પણ છે. તળાવની મધ્યમાં એક નગીનાવાડી નામનો એક ટાપુ મહેલ છે, જે મુઘલ યુગ દરમિયાન બાંધવામાં આવ્યું હતો. આ શહેર રેતાળ અને શુષ્ક વિસ્તારમાં આવેલું છે. થલતેજ-જોધપુર ટેકરાના નાની ટેકરીઓ સિવાય, સમગ્ર શહેર લગભગ સપાટ જ છે. સાબરમતી નદી શહેરને પૂર્વીય અને પશ્ચિમ ભાગોમાં વિભાજીત કરે છે, જે નવ પુલો દ્વારા જોડાયેલ છે અને જેમાંના બે સ્વતંત્રતા બાદ બાંધવામાં આવ્યા હતા. જોકે નદી બારમાસી છે પણ ખાલી એક નાનો પાણીનો પ્રવાહ વહેતો છોડીને તે ઉનાળામાં સૂકાઇ જાય છે.
અમદાવાદ સાબરમતી નદી દ્વારા બે અલગ વિસ્તારમાં વિભાજિત થયેલ છે. નદીની પૂર્વીય કિનારે જૂનું શહેર આવેલ છે, જ્યાં ભરચક બજાર, પોળો અને મંદિરો અને મસ્જિદો જેવા પૂજા માટે ઘણાં સ્થળો છે. જૂના શહેરમાં મુખ્ય રેલવે સ્ટેશન અને મુખ્ય ટપાલ કચેરી પણ છે. ૧૮૭૫માં એલિસ બ્રિજનાz નિર્માણથી સાબરમતી નદીના પશ્ચિમ બાજુએ શહેરનો વિસ્તરણ થયો હતો. શહેરના આ ભાગમાં શૈક્ષણિક સંસ્થાઓ, આધુનિક ઈમારતો, સારી રીતે આયોજિત નિવાસી વિસ્તાર, શોપિંગ મોલ્સ, મલ્ટીપ્લેક્સ અને નવો વ્યાપાર સી.જી. રોડ, આશ્રમ રોડ અને તાજેતરમાં સરખેજ-ગાંધીનગર હાઇવે પર કેન્દ્રિત છે.
ગાંધી આશ્રમ તરીકે ઓળખાતું સાબરમતી આશ્રમ, ઉત્તરીય અમદાવાદના સાબરમતી નદીના પશ્ચિમ કિનારે સ્થિત છે જે મહાત્મા ગાંધીનું નિવાસસ્થાન હતું, અને તેમણે ત્યાંથી જ ૧૯૩૦ માં દાંડી માર્ચ શરૂ કર્યું હતું. આ આશ્રમ મૂળ અમદાવાદના કોચરબ વિસ્તારમાં ૧૯૧૫ માં સ્થાપના કરવામાં આવ્યું હતું. ૧૯૧૭ માં તે હાલના સ્થળે ખસેડવામાં આવ્યું હતું. તેને હરિજન આશ્રમ અથવા સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામની ઘણી ઘટનાઓનું તે સાક્ષી હતું.
મહત્વની બાબતો:
- સરદાર પટેલે અમદાવાદથી રાજકીય ક્ષેત્રમાં જંપલાવ્યું હતું.
- મહાત્મા ગાંધીએ સાબરમતી નદીના પશ્ચિમ તીરે કોચરબ આશ્રમની સ્થાપના કરી જે આજે કસ્તુરબા આશ્રમ તરીકે ઓળખાય છે અને બીજો આશ્રમ વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં સ્થાપ્યો જે આજે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે. અંગ્રજોના શાસન કાળ દરમિયાન ગાંધીજીના લીધે અમદાવાદ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય મથક બની રહ્યું.
- ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ૧૯૨૦ માં અમદાવાદ માં કરી.
- ડો. વિક્રમ સારાભાઈ નો ઉછેર અમદાવાદમાં થયો અને સારાભાઈ ઉદ્યોગ અમદાવાદમાં વિકસ્યો. તેમના સહયોગથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર(ઈસરો), ટેક્ષટાઇલ સંશોધન કેન્દ્ર (અટીરા) અને ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (પી.આર.એલ.) અમદાવાદમાં સ્થપાયા.
- કસ્તુરભાઇ લાલભાઇ અને લાલભાઈ દલપતભાઈ જેવા ઉદ્યોગપતિઓના પ્રયત્ન અને સહયોગથી ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય (એલ. ડી. એન્જીનીયરીંગ) અને એલ. ડી. આર્ટસ કોલેજો અને બીજી સંસ્થાઓ સ્થપાઇ.
- ભારત અને એશિયાની પ્રથમ કક્ષાની સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (આઇ.આઇ.એમ.) અમદાવાદમાં આવેલી છે. તે સિવાયની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી (DA-IICT) અને પ્લાઝમા અનુસંધાન સંસ્થાન (IPR) પણ અમદાવાદમાં આવેલ છે.
- અમદાવાદ આજે અન્ય મેટ્રો શહેરો જેવા કે મુંબઈ, દિલ્હી, કોલકત્તા, ચેન્નાઈ ની સમકક્ષ બની ગયેલ છે.
- અમદાવાદ ભારતનું પ્રથમ શહેર છે જે બી.આર.ટી.એસ, મેટ્રો તથા ઍ.ઍમ.ટી.ઍસની સુવીઘા છે.
અમદાવાદના જોવાલાયક સ્થળો:
ગાંધી આશ્રમ
સરદાર પટેલ સ્મારક ભવન
કાંકરિયા તળાવ
હઠીસિંહનાં દેરા
સાયન્સ સીટી
અડાલજની વાવ
સીદીસૈયદની જાળી
જામા મસ્જિદ, જુમ્મા મસ્જિદ
ઝૂલતા મિનારા
કાલુપુર સ્વામિનારાયણ મંદિર
ઇસ્કોન મંદિર
સ્મૃતિ મંદિર, ઘોડાસર
વૈષ્ણોદેવી મંદિર
ભાગવત વિદ્યાપીઠ
વસ્ત્રાપુર તળાવ
કેમ્પ હનુમાન
ભદ્રકાળી મંદિર
ભદ્રનો કિલ્લો
સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ
આદિવાસી સંગ્રહાલય, ગુજરાત વિદ્યાપીઠ
સરખેજનો રોઝો
કેલિકો મ્યુઝિયમ
માણેક ચોક
રાણીનો હજીરો
સાબરમતી રિવર ફ્રન્ટ
તિરૂપતિ બાલાજી મંદિર, એસ. જી. માર્ગ
વિક્રમ સારાભાઈ અવકાશ પ્રદર્શન, ઈસરો
ત્રિ મંદિર, અડાલજ
ઓટોવર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ
No comments:
Post a Comment